-->

નવરાત્રી મહોત્સવ 2025

RAMESH CHAUDHARI

વિદ્યામંદિર થરાદ અને મહાવીર ગ્રુપ થરાદના સંયુક્ત ઉપક્રમે ભવ્ય "ઢોલીડા" નવરાત્રી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતીથી થતા સમગ્ર પંડાલ “જય અંબે” ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહાવીર ગ્રુપ થરાદના પ્રમુખ રાજેશભાઈ જોષી, ભારત વિકાસ પરિષદ થરાદના પ્રમુખ ડૉ. હિતેન્દ્ર શ્રીમાળી (નડેશ્વરી હોસ્પિટલ, થરાદ), ડૉ. નવીનભાઈ ચૌધરી (આનંદ ક્લિનિક, થરાદ), શિક્ષણવિદ્ દિનેશભાઈ પુરોહિત, હેતલબેન પંચાલ અને અરવિંદભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પરિવાર દ્વારા મહાવીર ગ્રુપ થરાદના સભ્યોનું શ્રીમદ્ ભાગવત ગીતા આપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે મહાવીર ગ્રુપ થરાદ દ્વારા શાળાના પ્રમુખ દેવાભાઈ પટેલને હનુમાનજીનો ફોટો અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રમુખ દેવાભાઈ પટેલે વિજયાદશમી અને ગરબાનું આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું. મહાવીર ગ્રુપ થરાદના પ્રમુખ રાજેશભાઈ જોષીએ સંસ્કૃતિના સંવર્ધન તથા નવીન વાવ-થરાદ જિલ્લાની સ્થાપનાના પ્રસંગ વિષે પ્રેરક વિચાર વ્યક્ત કર્યા હતા. ભારત વિકાસ પરિષદ થરાદના પ્રમુખ ડૉ. હિતેન્દ્ર શ્રીમાળીએ ગરબાનું લોકજીવનમાં રહેલું અનન્ય સ્થાન રજૂ કર્યું હતું. મહાવીર ગ્રુપ થરાદ વતી અરવિંદભાઈ પુરોહિતે શાળા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉમંગપૂર્વક રાસ-ગરબા રમ્યા હતા. ખાસ કરીને “ઓપરેશન સિંદૂર” પર રજૂ થયેલા ગરબાએ સૌનું મન મોહી લીધું હતું. ખેલૈયાઓ પરંપરાગત વેશભૂષામાં ઝૂમતા નજરે પડ્યા હતા. વિજયાદશમી અને મહાત્મા ગાંધી જયંતિની યાદ સાથે વાવ-થરાદ જિલ્લાની સ્થાપનાની ખુશીનો પણ ઉજાસ જોવા મળ્યો હતો. રાસ ગરબામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર તેમજ બેસ્ટ પરફોર્મ કરનાર ખેલૈયા વિદ્યાર્થીઓને ટ્રોફી અને દુર્ગા ચાલીસા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે સુરેશભાઈ બારોટે આભાર વિધિ કરી ઉપસ્થિત તમામ મહેમાનનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે માં ના પ્રસાદ સાથે ગાંઠિયા-બૂંદીથી મો મીઠું કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. આ રીતે નવરાત્રીના આ પાવન પર્વે શાળામાં ભક્તિ, સાંસ્કૃતિક પરંપરા અને ઉમંગનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

                           






















વધુ ફોટા માટે ફોટો ગેલેરી 2025 - 26 ની મુલાકાત લો.