ઘણા દિવસોના ઇંતજારના
અંતે એ દિવસ આવી પહોંચ્યો ગઈ કાલે એટલે તારીખ ૨/૧૨/૨૦૧૯ ને સોમવારના રોજ અને ખૂબ જ
આનંદ અને ઉત્સાહની સાથે પ્રવાસ ની મજા માણવા ઉપડ્યા. વિદ્યાર્થીઓને ખૂબ જ તાલાવેલી
હતી અને દરેકનો એક જ પ્રશ્ન હતો સાહેબ ક્યારે ઉભરાટ બીચ (દરિયા કિનારો) પહોંચીશું.
ઉત્સાહ માં તેઓ આખી રાત ઊંઘ્યા પણ નહીં. અંતે ૩/૧૨/૨૦૧૯ ને મંગળવારનો સોનેરી સૂરજ
ઉભરાટ ના દરિયા કિનારે ઊગ્યો. લગભગ અને સવારમાં ૭.૩૦ વાગ્યે ત્યાં પહોંચ્યા. સ્થળ
અજાણ્યું હતું. સરસ શાંત અને રમણીય દરિયા કિનારો જોઈ બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા.
દરિયો રેતાળ અને ઊંડો હોવાથી નહાવાની મજા માણી શક્યા નહીં. પરંતું તાજગી સભર હવા,
શંખલા અને છીપલાં વીણવા ની અને રેતીમાં રમવાની અને હા સેલ્ફી
પાડવાની મજા આવી. ત્યાં સુધીમાં નાસ્તો ( સોનપાપડી,તળેલા
મરચાં, ચા/દૂધ) તૈયાર થઈ ગયો હતો એટલે અને ભરપુર નાસ્તાની
મજા માણી. ત્યારબાદ અમારી સફર આગળ કબીર વડ તરફ ચાલી પરંતુ રસ્તો લાંબો હોવાથી અમે
મહાવિદેહ તીર્થધામ, કામરેજ (સુરત) ખાતે સવારના જમવાનું આયોજન
કર્યું. સ્થળ રમણીય, શાંત અને આધ્યાત્મિક અને દાદા ભગવાન
સાથે સંકળાયેલ. બાળકોએ સૌપ્રથમ પ્રાર્થના હોલમાં જઈ પ્રાર્થના કરી ત્યારબાદ
મંદિરમાં ભગવાનના દર્શન કર્યા એટલે જમવાનું તૈયાર હતું. જમવામાં ગુલાબજાંબુ,
પાપડ, પુરી- શાક, દાળ -
ભાત અને છાસ હતી. બાળકોને જમવાની મજા આવી. ત્યાંથી અને કબીર વડ જવા રવાના થયા.
કબીર વડ એટલે મા નર્મદા ના ખોળે આવેલ એક પ્રકૃતિ સ્થળ, શાંત
વહેતી મા નર્મદા ( આપણા થરાદની જીવાદોરી ) ભવ્ય અને વિશાળ લાગતી હતી. મા ના દર્શન
કરીને ખૂબ જ ખુશી થઇ. અમારે નર્મદા ના સામેના કિનારે કબીર વડ જવાનું હતું. એટલે
અમે હોડીની સફર કરી નર્મદાને પાર કરી. ખૂબ જ આનંદ નો અને યાદગાર સમય હતો. કબીર વડ
એટલે વડનું જંગલ. ત્યાં કૂતરા, વાનર અને બકરા સાથે રમતા જોવા
મળ્યા. ત્યાંના વાનર પણ માણસો સાથે ટેવાયેલા બાળકોએ પોતાના હાથે બિસ્કીટ ખવરાવી
તેમની સાથે ફોટા પડાવી મજા માણી. વડની ઝૂલતી વડવાઈઓ એ હિંચવાની અને લપસણી ની મજા
માણી. મા રેવા ( નર્મદા) ના પવિત્ર જળ થી પોતાના હાથ - પગ ધોઈ ધન્યતા અનુભવી.
ત્યારબાદ પરત ફરી અમે અત્યારે જમીને જાડેશ્ચર મંદિર ( ભરૂચ) ખાતે રોકાયેલ છીએ.સરસ
મજાની રહેવા - ઊંઘવાની સગવડ છે.
પ્રવાસનો બીજો દિવસ અદભૂત
આનંદનો દિવસ. આજે સવારમાં વહેલા ૪.૦૦ વાગ્યે જાગ્યા ત્યાંથી બાળકોએ નાહવાની શરૂઆત
કરી દીધી. નીલકંઠશ્વર મહાદેવ મંદિરમાં વ્યવસ્થા સરસ. નાહી - ધોઈ તૈયાર થઈ ગયા.
ત્યાં સુધીમાં નાસ્તો ( થેપલા, ચા/દૂધ )
તૈયાર થઈ ગયો હતો. અમે નાસ્તો કરી બાજુમાં આવેલ નર્મદા ઘાટ પર જઈ મા નર્મદાની
સુંદર અનુભૂતિ થઈ. સવારમાં લોકો નર્મદામાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હતા. ત્યાંથી
અમે બાળકોના મનમાં વસેલું પેલું સ્ટેચ્યુ ઑફ યુનિટી ( વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા
) નિહાળવા રવાના થયા. અંદાજિત બે કલાકનો રસ્તો હશે. એ સમયે બસમાં સરસ મજા ના ગીતો
ના તાલે નાચવાનો આનંદ માણ્યો. કેવડીયા આવતાં જ સાતપુડા પર્વતમાળાની વચ્ચે સહેજ
સરદાર દેખાયા અને બસમાં દરેક બાળકનો એક જ સૂર હતો એ જો સ્ટેચ્યુ આવી ગયું આપણે
પહોંચી ગયા. અંતે અમે ત્યાં પહોંચ્યા. જરૂરી ટિકિટ લઈ અમે પ્રવેશ મેળવ્યો. બાળકો માટે
આ નવીન હતું. ખરેખરી મજા તો ત્યારે આવી જયારે સરકતી સીડી જોઈ અને દોડીને બાળકો
તેના પર ચડ્યા. અને આનંદ સાથે અમે સરદાર મ્યુઝીયમ, સરદારના
જીવનની ઝાંખી અને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી. ત્યાંથી અમે તેમની એ.સી.
વાળી બસમાં બેસી વિધુત ટનલ ( ૧૪૫૦ મેગાવોટ લાઈટ ઉત્પન્ન કરતું જળ વિદ્યુત મથક ),
સરદાર સરોવર ડેમ, વેલી ઑફ ફલાવર, ડાયનોસોર પાર્ક, એકતા વનનો આનંદ માણ્યો. વેલી ઑફ
ફલાવર એલટે એક ફૂલોની નગરી જ જાણો. ત્યાંની સુવિધા અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે
તેવી હતી. ચારે બાજુ સરસ મજાની હરિયાળી અને પર્વતોની હારમાળા આંખોને આહ્લાદક આનદ
આપતી હતી. ત્યાંથી બપોરે અમે સવારનું ભોજન ( મોહનથાળ, સલાડ,
પૂરી - શાક, દાળ ભાત, છાસ
) લઈ અમે નીલકંઠ ધામ પોઇચા પહોંચ્યા. ખુલ્લા કેળાના ખેતરો વચ્ચે અને નર્મદાના
કિનારે સુંદર, અદભૂત અને રમણીય સ્થળ પોઇચા. પોઇચા પ્રદર્શન
ખંડની જરૂરી ટિકિટ લઈ ત્યાં પ્રવેશ્યા. પ્રદર્શન માં મહાભારત, રામાયણ, પુરાણ, સ્વામી નારાયણનું જીવન દર્શન, વોટર
શો, ગેમ ઝોન નિહાળ્યો. સુંદર મજાના પહાડો વચ્ચે
પ્રદર્શન , સુંદર
મજાનો વોટર શો અને બાળકોનો પ્રિય ગેમ ઝોન. લપસણી, હીંચકા,
ચિચવા ની મજા માણી બાળકોનો ઉત્સાહ અનેરો વધી ગયો. ત્યારબાદ મંદિરમાં
ભગવાન ના દર્શન કરી બાળકોએ ફોટોગ્રાફી અને ફૂડકોર્ટ નો આનદ માણ્યો. પછી સાંજનું
ભોજન ( ભાખરી, શાક, ખીચડી, કઢી, છાસ ) લઈ પોઇચા રહેવાની જાગ્યા ના હોવાથી હાલ કાયાવરોહણ
જવા રવાના. ત્યાં આજનું રાત્રિ રોકાણ.
પ્રવાસનો ત્રીજો દિવસ
ખૂબ જ આનંદ સાથે પ્રવાસની સફર આગળ ચાલી રહી છે. ગઈ કાલે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને
પોઇચા ધામ ની મુલાકાત લીધા બાદ રાત્રિ રોકાણ કાયાવરોહણ ખાતે કર્યું. સવારમાં વહેલા
ઊઠી નાઈ ધોઈ તૈયાર થઈ ગયા. ગુજરાત ભરમાં પ્રખ્યાત લકુલીશ ભગવાનનું ભવ્ય અને
ઐતિહાસિક મંદિરમાં ભગવાનના દર્શન કર્યા. અને સવારનો નાસ્તો ( પૌવા, ચા/દૂધ
) કરી અમે વડોદરા જવા રવાના થયા. વડોદરા એટલે ગુજરાતની સંસ્કાર નગરી અને મહેલોનું
શહેર. વડોદરામાં સયાજી બાગ ( કમાટી બાગ ) માં સરસ મજાનો બગીચો, વિવિધ ગેમ તેમજ ગુજરાતનું સૈાથી મોટું મ્યુઝિયમ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર
ગેલેરી નિહાળ્યું. વિવિધ પ્રાચીન સમયના નમુના, પહેવેશ,
નાશપ્રાય પ્રાણીઓ, રાજા મહારાજા ની વિશેષતાઓ
તેમજ સયાજીરાવ ગાયકવાડ ના જીવનની ઝાંખી નીહાળી. કેમેરાના ફોટા કરતાં પણ વધુ સારું
અને આબેહૂક હાથે દોરેલાં ચિત્રો નીહાળી બાળકો આશ્ચર્ય પામ્યા. ત્યારબાદ બાળકોએ ઈ
મોટર કાર દ્વારા બાગની સફર કરી અને ખૂબ જ આનંદ માણ્યો. ત્યાં અમે સવારનું ભોજન (
ગુંદી, પૂરી શાક, દાળ ભાત, છાસ ) લીધું અને ત્યારબાદ બાળકોના પ્રિય અને મનોરંજન સ્થળ આજવા નિમેટા
ગાર્ડન ( અતાપી વન્ડરલેન્ડ ) ની મુલાકાત લીધી. આ સ્થળનું વર્ણન કરવું જ મુશ્કેલ
પડે તેવું અદભૂત અને અદ્વિતીય હતું. ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલ આ મનોરંજન
પાર્ક વિવિધ પ્રકારની રાઇડો, ગેમ અને સરસ મજાના બગીચા અને
ફુવારાથી ભરપુર હતો. અહીંયાં બાળકોએ વિવિધ રાઈડો અને ગેમનો આનદ માણ્યો. ત્યારબાદ
અમે ત્યાંથી મહાકાળી માતાજી ના ધામ પાવાગઢ જવા રવાના થયા. ત્યાં પહોંચી સાંજનું
ભોજન ( દાલબાટી, છાસ ) લઈ અત્યારે અમે પાવાગઢ મુકામે રાત્રિ
રોકાણ કરેલ છે.
પ્રવાસનો ચોથો દિવસ આજે અમારી
સફરની શરૂઆત પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન થી. આજની રાત્રી અને બાલકનાથ આશ્રમ
પાવાગઢ રોકાયા હતા. સરસ મજાની રહેવાની સગવડ, બસ
સ્ટેન્ડ ની બાજુમાં જ આવેલ છે આશ્રમ. અમે દરરોજના નિયમ મુજબ વહેલા ઊઠી નાઈ ધોઈ
તૈયાર થઈ ગયા. નાસ્તો (સમોસા, દૂધ/ચા) તૈયાર હતો એટલે નાસ્તો
કરી અમારે પાવાગઢના ડુંગર પર ચઢવાનું હતું એટલે અમે પર્વતની તળેટી સુધી પહોંચવા
માટે એડ. ટી.માં બેઠા. પર્વત સુધી બસમાં બેસવાનો અનુભવ ખરેખર આહ્લાદક હતો કારણ કે
ચારે તરફ સરસ મજાની હરિયાળી, પર્વતો અને સરસ મજાના વળાંક અને
ઢોળાવ વાળા રસ્તાઓ. દરેક બાળકને પર્વત પર ચડવાનો અનેરો થનગનાટ હતો. નાના બાળકોએ પણ
છેક ટોચ સુધી પહોંચી મા કાળીના દર્શન કરીને ધન્યતા અનુભવી. પાવાગઢ પર્વત પર
દૂધિયું, છાસિયું અને તેલિયું એ નામના ત્રણ તળાવ આવેલા છે.
કેટલાક બાળકોએ ઉડાન ખટોલાની મજા માણી. પાવાગઢ પર્વત ની તળેટીમાં ચાંપાનેર વસેલું છે.
જે વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપાની યાદમાં વસાવ્યું હતું. મહમદ બેગડાએ તેને
પોતાની રાજધાની બનાવી તેનો વિકાસ કર્યો હતો. આજે પણ ચાંપાનેર નો કિલ્લો ખંડેર
હાલતમાં પોતાની યાદોને તાજી કરી રહયો હોય તેમ લાગે છે. અનેરા આનંદ અને ઉત્સાહ સાથે
બાળકોએ સફર પૂરી કરી અને ભોજન ( ચુરમિયા લાડુ, રોટલી શાક,
દાળ ભાત, છાસ ) લીધું. ત્યારબાદ અમે ટુંવા જવા
રવાના થયા.ટુંવા કુદરતી રીતે જમીનમાંથી અતિશય ગરમ પાણી નિકળી વહે છે. ગુજરાત માં
આવા ચાર સ્થળો છે. બધા બાળકોએ ગરમ પાણી વડે પોતાના હાથ પગ ધોયા. તેના સિવાસ ભીમના
પગલાં અને શિવ મંદિર ના દર્શન કર્યા. ત્યારબાદ અને ગળતેશ્વર પહોચ્યા. ત્યાં સોલંકી
વંશના રાજા ( ૧૨મી સદીમાં )દ્વારા બંધાયેલ પૌરાણિક શિવ મંદિર આવેલ છે. આ મંદિર ની
કોતરણી ખરેખર અદભૂત હતી. આ મંદિર ટોચના ભાગેથી ખંડિત થઈ ગયેલ છે. આ મંદિરની
બાજુમાં મહી ( મહીસાગર ) નદી વહે છે. ચોમાસા દરમિયાન તો આ નદી ભરપુર વહે છે પણ
અત્યારે માત્ર એક સાંકડા વહોળા સ્વરૂપે વહે છે. અત્યારે પાણી છીછરું હતું. બાળકો
વહેતા પાણી ને જોઇને ખૂબ જ આનંદ મા આવી ગયા અને પાણીમાં દોડધામ અને ઉછળ કુદ કરવા
લાગ્યા. કેટલાંક બાળકો તો નદીમાં નહાવા પણ લાગ્યા. દરેક ભરપુર આનંદ માણ્યો.. અને
અંતે બાફેલ મકાઈ ના ડોડા ખાવાનો આનંદ માણ્યો. ત્યારબાદ અને આજના પ્રવાસનું છેલ્લું
સ્થળ ડાકોર ધામ પહોંચ્યા. ડાકોરમાં રણછોડરાય નું ભવ્ય મંદિર આવેલ છે. કહેવાય છે કે
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકાથી અહીંયાં આવીને વસેલા છે. રણછોડરાય નાં દર્શન કરીને
ગોમતી તળાવની મુલાકાત લીધી. ડાકોરના ગોટા ખૂબ જ પ્રખ્યાત છે. ડાકોરની બજારમાંથી
અમે રમકડાં, વિવિધ વસ્તુઓ ખરીદી. અને ત્યારબાદ અને સાંજનું
ભોજન ( રોટલી, શાક, છાસ ) લઈ થરાદ જવા
રવાના થયા.
ખરેખર પ્રવાસ પૂરો થઈ ગયો એની
ખબર જ ના પડી. ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે અનેરો આનંદ માણ્યો. પ્રવાસ દરમિયાન અમને
કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડી તે માટે ભગવાનનો આભાર માનું છું. ખરેખર અદભૂત વાત
તો એ કહેવાય કે ૧૩૦ બાળકો માંથી એક પણ બાળક બસમાં ઉલટી પણ ના થઈ. તમામ વિદ્યા્થી મિત્રો નો ખુબ ખુબ આભાર કે જેમણે સમગ્ર
પ્રવાસ દરમિયાન આપણી શાળાના શિસ્ત અને સંસ્કાર જાળવી રાખી એમને વ્યવસ્થા માં જાળવી
રાખવામાં સહભાગી બન્યા. તમામ વાલી મિત્રોનો પણ ખૂબ સરસ સહકાર અને પ્રતિભાવ મળ્યા
તે બદલ આભાર. અને સૌથી વિશેષ આભાર કરશનભાઈ પટેલ ( બહુચર ટ્રાવેલ્સ,
ભાચર ) નો કે જેમણે એમણે કોઈપણ પ્રકારની મુશ્કેલી નો અનુભવ જ કરવા
નથી આવ્યો સરસ મજાનું વ્યવસ્થાપન, જમવાનું, રહેવાનું અને એનાથીય વિશેષ એમનો સ્વભાવ. આપના બાળક પાસેથી પ્રવાસ અંગેના
પ્રતિભાવ મેળવી મને ચોક્કસ જણાવજો. આભાર.
વધુ ફોટા સોમવારે ફોટો ગેલેરી માં અપલોડ કરવામાં આવશે અને વિડિયો યૂટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશ.
વધુ ફોટા સોમવારે ફોટો ગેલેરી માં અપલોડ કરવામાં આવશે અને વિડિયો યૂટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશ.