-->

સૌરાષ્ટ્રની સફરનો પ્રથમ દિવસ - 17/11/2022

RAMESH CHAUDHARI

     "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,

                          જંગલની કુંજકુંજ જોવી હતી."

       ઉમાશંકર જોશી લેખિત આ પંક્તિને સાર્થક કરવા આજે નીકળી જ પડ્યા... આમ તો શાળા જીવન દરમિયાન પ્રવાસ શબ્દ એક અનોખો છે. દિવાળી વેકેશન શરૂ થયા પહેલાં જયારે શાળામાં પ્રવાસની જાહેરાત થઈ ત્યારથી જ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઈ કાલે સાંજે આ ઉત્સાહને માણવા અમે આખરે નીકળી જ પડ્યા. દરેક બાળકના ચહેરા પર ખુશી અને આનંદ અનેરો જ હતો. સાંજે આઠ વાગ્યે અમારે પ્રવાસ માટે નીકળવાનું હતું. તેના માટે વિદ્યાર્થીઓ છેક છ વાગ્યાથી તૈયાર જ હતા અને ક્યારે અમારી બસ આવશે તેની રાહ જોઈને રહ્યા હતા. આખરે એમની આતુરતાનો અંત આવ્યો અને બંને બસ પણ સમયસર આવી પહોંચી. ઉતાવળ અને આનંદની સાથે અમે સૌ બસ અમારી જરૂરિયાત મુજબ ની સામગ્રી લઈને નીકળી પડ્યા કુદરત અને ધાર્મિક સ્થળોને જાણવા અને માણવા....

        અને શરૂ થઈ અમારી એક યાદગાર અને રોમાંચક સફર આખી રાત બસ ચાલી.દરેક બાળકને સ્લીપર કોચ બસ હોવા છતાં પણ આનંદ ને કારણે ઊંઘ આવતી ના હતી. અને આખરે એ નવો સૂરજ ઉગતાની સાથે જ અને સૌ પહોંચ્યા અમારી સફરના પહેલા સ્થળ નવા રણુજા. 

        નવા રણુજા ખાતે અમે સૌ થોડાક ફ્રેશ થઈને ચા અને નાસ્તામાં પાપડી અને જલેબી આરોગી ત્યાં આવેલા બાબા રામદેવના દર્શન કરવા પહોંચ્યા. ત્યાં એક ભવ્ય બાબા રામદેવ નું મંદિર છે એની સાથે સાથે કાનુડા નું જીવન દર્શન અને જૈન તીર્થસ્થાનો વિશે માહિતી અને આપણા સંત પુરુષો ની મૂર્તિઓ પણ જોવા મળી. 

        ત્યાંથી અમે નીકળ્યા જામનગર તરફ આમતો અમારે જામનગરમાં મુક્તિધામ ની મુલાકાત લેવાની હતી પણ તેના કરતા બાળકોને વિશેષ મજા આ મંદિર આવશે તેવું જાણવા મળ્યું એટલે અને ત્યાં એક અદ્ભુત અને ભવ્ય BAPS સંસ્થા દ્વારા સંચાલિત સ્વામી નારાયણ મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાંની વ્યવસ્થા અને સ્વચ્છતા આંખે ઊડીને વળગે તેવી હતી. ત્યાં બગીચો સારો હતો. અને દરેક બાળકને પોતાની યાદોને મોબાઈલમાં કંડારવાની ઊતાવળ હતી. દરેક વિદ્યાર્થીએ મિત્રોએ અહીંયા જુદા જુદા પ્રકારે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કરી.અને ત્યારબાદ અહીંથી અમે સૌ નીકળ્યા જગતના ઠાકરને મળવા....

        પરંતુ વચ્ચે રસ્તામાં અમારા સૌના માટે ભોજન ની વ્યવસ્થા માટે અમે વચ્ચે આવતા એક ઉતારા સ્થળે રોકાણ કર્યું. ત્યાં અને નાનકડું બાબા સીતારામ નું મંદિર આવેલ છે.ત્યાં ભોજન બને એટલીવાર અમે સૌ બાજુમાં આવેલ આરાધના ધામ ની મુલાકાત લીધી. ભવ્ય મહાવીર સ્વામીનું મંદિર અહીંયા આવેલ છે.તેની બાજુમાં અહીંયા સિંહણ ડેમ પણ આવેલ છે જે ભરેલ હોવાથી અમે તેને દૂરથી જ નિહાળ્યો. એટલી વારમાં અમારું જમવાનું તૈયાર હતું. જમવામાં ગુલાબજાંબુ, પાપડ, પુરી - શાક, દાળ ભાત, છાસ. બાળકને મજા જ પડી ગઈ. અને આ સ્થળે એમને મધ્યપ્રદેશથી નર્મદા મૈયાની પરિક્રમા કરવા નીકળેલા લોકોની સાથે મુલાકાત થઈ. તેઓ અપાર શ્રદ્ધા થી માં રેવાની પરિક્રમા કરવા નીકળેલ હતા. અને આપણે તો હવે ઘરે જ નર્મદા છે એ માટે સૌ એ ગૌરવ લેવો જોઈએ.

        ત્યાંથી અમે જય દ્વારકાધીશ ના નામ સાથે બેટ દ્વારકા જવા રવાના થયા. અમે સૌ દ્વારકા ખાતે અમારા રસોડાની સામગ્રી ઉતારીને બેટ દ્વારકા જવા નીકળ્યા. ત્યાં અમે ઓખા સુધી અમારી બસ દ્વારા પહોંચ્યા અને પહેલા સમુદ્ર દર્શન કર્યા. કેટલાક બાળકોએ તો પહેલીવાર દરિયો જોયો હતો. અમારે ત્યાંથી બોટ ( હોડી ) દ્વારા જવાનું હોવાથી એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અમે સૌ હોડીમાં બેસીને બેટ દ્વારકા પહોંચ્યા. ત્યાં દ્વારકાના નાથનું મંદિર આવેલ છે. ઇતિહાસ મુજબ કૃષ્ણ એ વસાવેલી સોનાની દ્વારિકા અહીંયા આવેલ હતી. અમે સૌએ દ્વારિકાધીશ ના દર્શન કરીને પરત હોડી દ્વારા ઓખા પહોંચ્યા.

        અને ત્યાંથી અમે સૌ ભારતના કુલ ૧૨ શિવલિંગોમાંના ગુજરાતમાં આવેલ બે શિવલિંગો પૈકી દારૂકાવન ખાતે આવેલ નાગેશ્વર મહાદેવ ના દર્શને પહોંચ્યા. ત્યાં ભવ્ય શિવલિંગ અને તેની સાથે સાથે ત્યાં આવેલ ઊંચી અને ભવ્ય શિવની મૂર્તિ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર હતી. અને સૌ ત્યાંથી દર્શન કરીને અમારા રોકાણ સ્થળ આવવા રવાના થયા.

        રોકાણ સ્થળ આવ્યા ત્યારે અમારા સૌના માટે જમવાનું તૈયાર હતું.અને અને ફ્રેશ થઈને જમવા બેસી ગયા. જમવામાં રોટલી, શાક અને છાસ હતી. સૌ શાંતિપૂર્વક જમીને આરામથી સુઈ ગયા...આમ પહેલા દિવસની સફર ખુબ યાદગાર અને અનેરી રહી...

      પ્રવાસના બધા જ ફોટા જોવા અને ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.