નમસ્કાર મિત્રો, ચાલો ત્યારે ગઈ કાલની અમારી સફરને આગળ વધારીએ ....
ગઈ કાલે સાંજે અમે સૌ દ્વારકા ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. બાળકોને સાંજે જ જાણ કરી દીધી હતી કે આપણે સવારમાં સૌની પહેલાં દ્વારકાધીશ ના દર્શન કરવાના છે. આ ઉત્સાહ અને અધીરાઈમાં બાળકો સવારમાં અમારી પણ પહેલાં ઊઠીને સ્નાન કરીને લગભગ છ વાગ્યે તો તૈયાર થઈ ગયા હતા. ત્યાં સુધીમાં અમારા માટે નાસ્તાની વ્યવસ્થા પણ બસ સંચાલક કરશનભાઈ દ્વારા કરી દેવામાં આવી હતી. અમે સૌ ચા ની સાથે નાસ્તામાં સમોસા અને ચટણી ખાઈને નીકળ્યા જગતના નાથ ના દર્શન કરવા. અમે રોકાણ કર્યું હતું તેનાથી લગભગ અડધો કિલોમીટર જેટલું દૂર મંદિર હશે. અમે સૌ ચાલીને પહોંચ્યા જગત નાથ ના દરબારમાં. તેની ભવ્યતા અને દિવ્યતા ખુબ જ અપાર છે. અમે આટલા વહેલા પહોંચ્યા હોવા છતાં પણ લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. અમે પણ લાઈનમાં જોડાઈ ગયા. ત્યાંના મંદિર વ્યવસ્થાપન દ્વારા બાળકો જોઈને સીધા જ નવી લાઈન દ્વારા બાળકોને દર્શન કરાવી દીધા માટે અમારે લાંબી લાઇનમાં ઊભા રહેવું ના પડ્યું. અહીંયા આવેલ ભવ્ય દ્વારકાધીશ નું મંદિર અને તેની સાથે તેમની પટરાણીઓના મંદિર અને વ્યાસપીઠ ના દર્શન કરીને અમે ધન્યતા અનુભવી. ત્યારબાદ અમે સૌ પહોંચ્યા બાળકોના મનગમતા સ્થળે એટલે કે ગોમતી ઘાટ. ત્યાં ગોમતી નદી ના દર્શન કરીને બાળકોએ બોટ રાઇડ, ગાડીની રાઈડ અને ઊંટ ની સવારી કરીને ભરપૂર આનંદ મેળવ્યો.અને બજારમાંથી થોડી ઘણી ખરીદી પણ કરી. ત્યારબાદ અમે રોકાણ સ્થળે પરત ગયા ત્યારે ત્યાં અમારા માટે જમવાનું તૈયાર હતું. જમવામાં ટોપરાપાક, પૂરી - શાક, દાળ - ભાત અને છાસ હતી. અમે સૌ જમીને તૈયાર થઈ ગયા નવા સ્થળની મુલાકાત માટે....
ત્યારબાદ અમે પહોંચ્યા હરસિદ્ધિ માતાના મંદિર. આ મંદિર જૂનું અને પૌરાણિક છે. ત્યાં અમે સૌપ્રથમ ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો જોયા. બાળકોના અભ્યાસ માં આ વિશે આવે છે પણ આજે રૂબરૂ નિહાળ્યા. ત્યારબાદ અમે રવાના થાય આપણા રાષ્ટપિતાની નગરી સુદામાપુરીની મુલાકાતે...
પોરબંદર એવું શહેર છે કે જ્યાં મોટી ટ્રાવેલ્સ ને શહેરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. અમે ત્યાંથી છકડા ગાડી લઈને નીકળી પડ્યા પોરબંદરની મુલાકાતે. તેમાં સૌપ્રથમ અમે બાપુના ઘર તરીકે જાણીતું કીર્તિમંદિર ની મુલાકાત લીધી. આ કીર્તિ મંદિર નાનજીભાઈ કાલિદાસ મહેતા દ્વારા બંધાવવામાં આવ્યું હતુ. અહીંયા બાપુની જીવન કથાને આલેખવામાં આવી છે.ત્યાંથી અમે નીકળ્યા દરિયાઈ ચોપાટીની મુલાકાતે ત્યાં દરિયો આમ તો શાંત જોવા મળ્યો. ત્યાં બાળકોને છીપલાં, કોડીઓ, બદામી લીલ અને શંખ જોવા મળ્યા કેટલાક બાળકોએ કોડીઓ અને. શંખ વીણીને પોતાની સાથે પણ લીધા. ત્યાંથી અમે ભગવાન ક્રિષ્ના ના મિત્ર સુદામાના મંદિરની મુલાકાત લીધી.આ મંદિરમાં સુદામા ભગવાન તરીકે બિરાજે છે આમ તો અહીંયા પૌરાણિક કાળથી સુદામાની ડેરી હતી તેની જગ્યાએ ઈ.સ. ૧૯૦૦ માં પોરબંદર ના રાજા ભાવસિંહએ એક ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આ મંદિર પરિસર માં જ્ઞાનવાવ અને ભૂલભૂલૈયા આવેલ છે. બાળકોએ ભૂલભૂલૈયા ની મજા માણી. ત્યાંથી અમે તારામંદિર ની મુલાકાત લીધી.અહીંયા વિજ્ઞાન વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું. બ્રહ્માંડ, ગ્રહો, તારાઓ, નક્ષત્રો, રાશિઓ તેમજ મંગળ અને ચંદ્ર ની ધરતી વિશે જાણ્યું.અહીંયા તેની સામે આવેલ ભારત મંદિરની મુલાકાત લીધી. ભારત મંદિર પણ નાનજી કાલિદાસ મહેતા એ બંધાવ્યું હતું.ભારત મંદિરમાં ભારતનો ભવ્ય નકશો આવેલ છે તેમજ ભારતના વિવિધ પ્રખ્યાત સ્થળો વિશે માહિતી મેળવી.
ત્યાંથી અમે રવાના થયા મહાદેવના દરબારમાં પણ તેની પહેલાં વચ્ચે અમે એક સ્ટેન્ડ વધારાનું લીધું. માધવપુર નો રમણીય દરિયાકિનારો. આ એક એવો કિનારો છે કે જ્યાં વાતાવરણ બિલકુલ શાંત જોવા મળે છે અહીંયાં નો દરિયો ઘૂઘવાટ બોલાવતો સાંભળવા અવશ્ય મળે. અહીંયા દરિયાકિનારા ના પ્રખ્યાત લીલા નાળિયેર પાણી પીધું અને આગળની સફર માટે રવાના થયા....
ત્યારબાદ અમે પહોંચ્યા ભારતના પ્રથમ અને ગુજરાતના ભવ્ય તેમજ ઇતિહાસમાં અમર નામ છે અને આજે પણ દૂરદૂરથી લોકો આવે છે સોમનાથ મહાદેવ ના દરબારમાં. સોમનાથ મંદિર આમ તો ઇતિહાસ મુજબ શ્રીકુષ્ણ ભગવાનના સમયથી આજ સુધી અડીખમ છે. ઘણીવાર તેનાં પર હુમલાઓ પણ થયા અને તેનો નાશ થયો. આજનું આ ભવ્ય મંદિર બાંધવા પાછળ સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશી નો ફાળો ખુબ જ અગત્યનો છે. અંહિયા મુસ્લિમ આક્રમણ સમયે સોમનાથ ને બચાવવા માટે વીર હમીરજી ગોહિલ શહીદ થઈ ગયા હતા. જેમની ખાંભી અહીંયા આવેલ છે. આમ સાંજે મોડે સુધી અમે બજારમાં ફર્યા અને ત્યારબાદ અમે અમારા રાત્રિ રોકાણ સ્થળ પર પહોંચ્યા. ત્યારે અમારા માટે જમવાનું તૈયાર હતું અમે સાંજે વાળુ કરીને શાંતિ પૂર્ણ સુઈ ગયા. સાંજના જમવામાં રોટલી, શાક અને છાસ હતી. આમ બીજા દિવસની સફર ખુબ યાદગાર બની.
પ્રવાસના બધા જ ફોટા જોવા અને ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.