અમારી સફર આગળ વધારતા અમે ચોથા દિવસે પાવાગઢ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. વહેલી સવારે અમે ચા નાસ્તો કરીને પાવાગઢ પર્વત પર ચઢવાની શરૂઆત કરી. ચાંપાનેરની તળેટીમાંથી માંચી સુધી એસટી બસમાં બેસીને પહોંચ્યા. ત્યારબાદ ત્યાંથી માં મહાકાળીના દર્શન માટે પર્વત પર ચઢવાની શરૂઆત કરી. અહિયાં ખૂબ જ પ્રાચીન ભારતના એકાવન શક્તિપીઠ પૈકી એક એક શક્તિપીઠ આવેલ છે. આજે ખૂબ જ ખુશનુમા વાતાવરણ હતું. એકદમ હિલસ્ટેશન જેવો માહોલ હતો. વાદળ અમને ભીંજવીને નીકળતા હતા. ખૂબ સરસ મજાનો ઠંડો પવન મનને તાજગી આપતો હતો. મોટા ભાગના તમામ વિધાર્થીઓ ખૂબ જ ઝડપથી ચાલીને ચઢી ગયા હતા. અહિયાં કુલ 1800 જેટલા પગથિયાં છે. સરકાર દ્વારા અહિયાં ખૂબ સરસ મજાની યાત્રિક સુવિધાઓ કરવામાં આવી છે. અમે ઉડન ખટોલાની મજા પણ માણી. હવે છેક તળેટી સુધી સીડીઓ બનાવવામાં આવી છે. જે જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે. જંગલ વિસ્તારમાંથી પસાર થવાનો મોકો પણ મળ્યો. આ પાવાગઢ પર્વત વિશ્વામિત્રી નદીનું ઉદગમ સ્થાન પણ છે. અહિયાં નીચે ઉતરીને અમે સૌએ સવારનું ભોજન લીધું. આજે ભોજનમાં બૂંદી, રોટલી, બે શાક,પાપડ, દાળ ભાત અને છાસ હતું. ત્યારબાદ અમે સૌ રવાના થયા ટુવા ટીંબા. અહિયાં કુદરતી રીતે જમીનમાંથી ગરમ ( ઉકળતું) પાણી નીકળે છે. અને વનવાસ દરમિયાન પાંડવો અહિયાં આવ્યા હોવાની માનતા છે. માટે અહિયાં ભીમના પગલાં જોવા મળે છે. તથા સોમનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ત્યાંથી અમે રવાના થયા ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા. અહિયાં પ્રાચીન ભારતના શાસકો એવા સોલંકી વંશના રાજાઓ દ્વારા 12 મી સદીમાં બાંધવામાં આવેલ શિવ મંદિર આવેલું છે. બાજુમાં મહી અને ગળતી નદીનો સંગમ થાય છે. અમે સૌ નદીના પટમાં ઉતરીને નદીની મજા માણી. ત્યાં સરસ મજાની કોતરો જોવા મળી. ત્યાંથી અમે સૌ રવાના થયા ડાકોર જવા માટે. ડાકોર ભક્ત બોડાણાના માનથી સ્થાપવામાં આવેલ કાળીયા ઠાકર એવા રણછોડરાય નું ભવ્ય મંદિર આવેલું છે. અમે સૌએ ભગવાનના દર્શન કર્યા ત્યારબાદ બાળકો દ્વારા બજારમાંથી જુદી જુદી વસ્તુઓની ખરીદી કરવામાં આવી. અહિયાં ના ગોટા અને મગસ બહુ પ્રખ્યાત છે. તેનો પણ સ્વાદ માણ્યો. ત્યાં મોડે સુધી બજારમાં ફર્યા અને ત્યારબાદ સાંજે વાળું કરીને અમે સૌ સૂઈ ગયા. સવારમાં વહેલા ઊઠી તૈયાર થઈને ગરમાગરમ ગોટાનો નાસ્તો કરીને રવાના થયા અમદાવાદ જવા. હાલ અમદાવાદમાં પ્રવેશી ચૂક્યા છીએ ટુંક સમયમાં સાયન્સ સિટી પહોંચી જઈશું...
બધા જ વિદ્યાર્થીઓ મજામાં છે અને મોજ કરે છે...
*જય રણછોડ...!*