અમારી સફરનો ત્રીજો દિવસ ખૂબ આનંદ અને મોજથી પસાર થઈ ગયો. સવારમાં વહેલા ઊઠી તૈયાર થઈને ચા નાસ્તો કરીને અમારી સફરની શરૂઆત કરી. સૌથી પહેલાં અમે પહોંચ્યા ગુજરાતની સંસ્કારી નગરી અને ગાયકવાડ રાજાઓની રાજધાની વડોદરા. અહિયાં આવેલ સયાજી બાગ ( કમાટી બાગ) ખાતે સૌ પ્રથમ પહોંચ્યા . અહિયાં બાળકોએ બગીચામાં ફરીને આનંદ મેળવ્યો તેમજ જુદા જુદા પ્રકારના રમતના સાધનો દ્વારા મોજ માણી. અહિયાં વિશ્વામિત્રી નદી આવેલ છે. જે ગુજરાતની સૌથી વધુ મગર ધરાવતી નદી ગણવામાં આવે છે. ત્યારબાદ અહિયાં આવેલ ગુજરાતના સૌથી મોટા મ્યુઝિયમ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી ની મુલાકાત લીધી. અહિયાં છેક હડપ્પા સંસ્કૃતિથી માંડીને આધુનિક યુગ સુધીના તમામ પ્રકારના અવશેષો જોવા મળ્યા. જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓના નમૂનાઓ પણ જોવા મળ્યા. ભોગોલિક રચના, ખડકોના પ્રકાર, વિવિધ ધાતુઓ અને અધાતુઓ પણ જોવા મળી. વિવિઘ ચિત્રકલા ના નમૂનાઓ, શિલ્પ અને સ્થાપત્ય કલાના નમૂનાઓ જોવા મળ્યા. અહિયાં 71 ફૂટ જેટલું વિશાળ વહેલ માછલીનું હાડપિંજર જોવા મળ્યું. તેમજ અન્ય જુદા જુદા પ્રાણીઓના હાડપિંજર પણ જોવા મળ્યા. અહિયાં બાળકોને જાણવા માટેનો ભરપુર વિષય હતો. અહિયાં અમે સવારનું ભોજન કર્યું. આજે ભોજનમાં ચોકલેટ બરફી, બે શાક, પૂરી, દાળ ભાત, છાસ હતા. ભોજન લીધા બાદ અમે સૌ રવાના થયા બાળકોના સૌથી પ્રિય સ્થળ આજવા નિમેટા - અટાપી વન્ડરલેન્ડ ખાતે.
આજવા સરોવરના કિનારે આવેલ વિશાળ વિસ્તારમાં ફેલાયેલ અતાપી વન્ડરલેન્ડ આવેલ છે. આ એક એડવેન્ચર અને ગેમિંગ ઝોન પાર્ક છે. અહિયાં વિવિધ પ્રકારની રાઇડોમાં બાળકોએ બેસીને આનંદ માણ્યો. તેમજ સાયકલિંગ કર્યું. વિવિઘ પ્રકારના બોલીવુડ ડાન્સ અને શો નિહાળ્યા અને અંતે વોટર લેસર શો પણ નિહાળ્યો. બાળકોને ખુબ જ મજા આવી ગઈ. ત્યારબાદ અમે મોડે પાવાગઢ જવા રવાના થયા અને ત્યાં જઈને રાત્રિ રોકાણ કર્યું. આજે મહાકાળી માતાના મઢે દર્શન કરવા માટે સૌ વહેલા તૈયાર થઈને ટુંક સમયમાં રવાના થવાના છીએ.
*જય માં પાવાવાળી... જય મહાકાળી.*