પોરબંદર એવું શહેર છે કે જ્યાં મોટી ટ્રાવેલ્સ ને શહેરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. અમે ત્યાંથી છકડા ગાડી લઈને નીકળી પડ્યા પોરબંદરની મુલાકાતે. તેમાં સૌપ્રથમ અમે બાપુના ઘર તરીકે જાણીતું કીર્તિમંદિર ની મુલાકાત લીધી. આ કીર્તિ મંદિર નાનજીભાઈ કાલિદાસ મહેતા દ્વારા બંધાવવામાં આવ્યું હતુ. અહીંયા બાપુની જીવન કથાને આલેખવામાં આવી છે.ત્યાંથી અમે નીકળ્યા દરિયાઈ ચોપાટીની મુલાકાતે ત્યાં દરિયો આમ તો શાંત જોવા મળ્યો. ત્યાં બાળકોને છીપલાં, કોડીઓ, બદામી લીલ અને શંખ જોવા મળ્યા કેટલાક બાળકોએ કોડીઓ અને. શંખ વીણીને પોતાની સાથે પણ લીધા. ત્યાંથી અમે ભગવાન ક્રિષ્ના ના મિત્ર સુદામાના મંદિરની મુલાકાત લીધી.આ મંદિરમાં સુદામા ભગવાન તરીકે બિરાજે છે આમ તો અહીંયા પૌરાણિક કાળથી સુદામાની ડેરી હતી તેની જગ્યાએ ઈ.સ. ૧૯૦૦ માં પોરબંદર ના રાજા ભાવસિંહએ એક ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આ મંદિર પરિસર માં જ્ઞાનવાવ અને ભૂલભૂલૈયા આવેલ છે. બાળકોએ ભૂલભૂલૈયા ની મજા માણી.
ત્યાંથી અમે રવાના થયા મહાદેવના દરબારમાં પણ તેની પહેલાં વચ્ચે અમે એક સ્ટેન્ડ વધારાનું લીધું. માધવપુર નો રમણીય દરિયાકિનારો. આ એક એવો કિનારો છે કે જ્યાં વાતાવરણ બિલકુલ શાંત જોવા મળે છે અહીંયાં નો દરિયો ઘૂઘવાટ બોલાવતો સાંભળવા અવશ્ય મળે. અહીંયા દરિયાકિનારા ના પ્રખ્યાત લીલા નાળિયેર પાણી પીધું અહિયા બાળકોએ ઊંટ,ઘોડા અને ગાડીની રાઈડો કરી અને આગળની સફર માટે રવાના થયા....
ત્યારબાદ અમે પહોંચ્યા ભારતના પ્રથમ અને ગુજરાતના ભવ્ય તેમજ ઇતિહાસમાં અમર નામ છે અને આજે પણ દૂરદૂરથી લોકો આવે છે સોમનાથ મહાદેવ ના દરબારમાં. સોમનાથ મંદિર આમ તો ઇતિહાસ મુજબ શ્રીકુષ્ણ ભગવાનના સમયથી આજ સુધી અડીખમ છે. ઘણીવાર તેનાં પર હુમલાઓ પણ થયા અને તેનો નાશ થયો. આજનું આ ભવ્ય મંદિર બાંધવા પાછળ સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશી નો ફાળો ખુબ જ અગત્યનો છે. અંહિયા મુસ્લિમ આક્રમણ સમયે સોમનાથ ને બચાવવા માટે વીર હમીરજી ગોહિલ શહીદ થઈ ગયા હતા. જેમની ખાંભી અહીંયા આવેલ છે. આમ સાંજે મોડે સુધી અમે બજારમાં ફર્યા અને ત્યારબાદ અમે અમારા રાત્રિ રોકાણ સ્થળ પર પહોંચ્યા. ત્યારે અમારા માટે જમવાનું તૈયાર હતું અમે સાંજે વાળુ કરીને શાંતિ પૂર્ણ સુઈ ગયા. સાંજના જમવામાં રોટલી, શાક અને છાસ હતી. આમ બીજા દિવસની સફર ખુબ યાદગાર બની.
નમસ્કાર મિત્રો, ચાલો ત્યારે અમારી ગઈ કાલની સફરને આગળ વધારીએ. આજે પ્રવાસનો ત્રીજો દિવસ ગઈ કાલે અમારું રાત્રી રોકાણ સોમનાથ ખાતે હતું.આજે અમારું પહેલું સ્થળ દીવ હતું. એટલે અમારે ત્યાં સમયસર પહોંચવાનું હતુ. એટલે સવારમાં બધા જ વિદ્યાર્થી મિત્રો સવારમાં વહેલા ચાર વાગ્યે ઊઠીને નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા. એટલે અમારો નાસ્તો તૈયાર હતો.નાસ્તામાં ચાની સાથે આજે પૌવા હતા. અમે સૌ નાસ્તો કરીને નીકળી ગયા નવી સફરે...
સૌપ્રથમ અમે દીવ પહોંચ્યા. દીવ એ અરબ સાગરમાં આવેલ એક ટાપુ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીંયા અમે દીવ ના ભવ્ય અને જુના કિલ્લાને જોવા ગયા. આ કિલ્લાની ઊંચી ઊંચી દીવાલો, અનેક તોપો, દીવાદાંડી અને જુદા જુદા વિભાગો નિહાળ્યા. આ કિલ્લા પરથી દૂર દૂર સુધી દરિયાનો નજારો જોવાનો આનંદ એક અદભુત હતો. મનને શાંત કરી દે એવો નજારો હતો. ત્યાર બાદ અમે સૌ દીવમાં બહુ જ પ્રખ્યાત નાગવા બીચ પર. નાગવા બીચ એક રમણીય દરિયાકિનારો ધરાવે છે. આમ તો અમારી સૌની ઈચ્છા દરિયામાં મન ભરીને નહાવવાની હતી. પરંતુ આજે દરિયામાં મોજાઓનો વેગ વધારે હતો.જેને કારણે અમે માત્ર થોડાક સુધી પાણીમાં જઈને અમારા મનને સંતોષ આપી દિધો. દરિયાઈ મોજાં, ઠંડો પવન અને રમણીય વાતાવરણ કંઇક અલગ જ આનંદ આપે છે. અને દરિયાની મોજ માણી ત્યાં સુધીમાં અમારા માટે જમવાનું તૈયાર થઈ ગયેલ હતું. આજે જમવામાં બૂંદી, પૂરી - શાક, દાળ ભાત અને છાસ હતી. અમે સૌ જમ્યા અને ત્યારબાદ રવાના થયા વનરાજ સિંહના ઘરની મુલાકાતે......
આજનો રસ્તો બહુ લાંબો હતો. પરંતું આજે રસ્તાની બાજુમાં હરિયાળી પણ આંખોને તાજગી આપે તેવી હતી. આજે સળંગ રસ્તાની બંને બાજુએ આંબા અને શેરડીના પાકથી ભરપૂર ખેતરો અને ગીરની ટેકરીઓ તેમજ જંગલો નો નજારો હતો. અમારું આગળનું સ્થળ ઘણું જ મહત્વનું હતું કારણ કે અમે સૌ આજ પહેલાના કોઈપણ પ્રવાસમાં અહીંયા ગયા ન હતા. આમ તો અહીંયા ટિકિટ બારી પાંચ વાગ્યે બંધ થઈ જાય છે. અમે જડપભેર દેવળીયા સફારી પાર્ક પહોંચીને ટિકિટ મેળવી.
આમ તો અમે ગીરના જંગલ વિશે ઘણું સાંભળ્યું હતું અને વિધાર્થીઓને અભ્યાસમાં પણ ઘણું બધું આવે છે. પણ આજે એને રૂબરૂ જોવા માટે અમારામાં આતુરતા હતી. અને ખુલ્લા જંગલમાં વિહરતા સિંહને જોવો એ ખરેખર અદભૂત અને યાદગાર ક્ષણ હોય છે. અહીંયા અમે ખુલ્લા જંગલમાં આરામ કરતો જંગલનો રાજા નિહાળ્યો. તેની સાથે એક સિંહણ સાથે બાળ સિંહોને ગેલ કરતાં પણ જોયા. અને તેના સિવાય દીપડા, રોઝ, ચિતલ અને સાબરને પણ જંગલમાં વિહરતા જોયા.આ જંગલનો અનુભવ અમારા સૌના માટે રોમાંચક હતો.
અમે સૌએ આ રોમાંચક સફર પૂરી કરીને અમે રવાના થયા સતાધાર તરફ. અહીંયા આપાગીગા નું ખુબ જ મોટી જગ્યા આવેલ છે.અહીંયા ભવ્ય ગૌ શાળા, ભવ્ય આપાગીગા નું મંદિર આવેલું છે. અને બીજી ખાસ અહીંયા કાયમી સદાવ્રત ચાલે છે. દરરોજ અહીંયા કેટલાય લોકો જમે છે. અને બીજું ખાસ કે અહીંયા ભોજનશાળા માં નોકરી કરવાવાળા નથી બધા જ પોતાની રીતે સેવા કરે છે.અહીંયા આપાગીગા ના પાડાનું વિશેષ મહત્વ છે. અહીંયા પાડા નું મંદિર આવેલું છે.તેની સાથે અહીંયા ભવ્ય શિવ મંદિર પણ આવેલ છે.અહિયાથી અમે રવાના થયા જુનાગઢ ગીરનાર તરફ. આજનું અમારું રાત્રી રોકાણ ત્યાં હતું. સાંજે મોડે પહોંચ્યા અને સાંજનું જમણવાર કરીને સુઈ ગયા. વહેલી સવારે અમારે ગીરનાર ચઢવાનું હતું.આમ અમારી ત્રીજા દિવસની સફર ખુબ જ યાદગાર અને રોમાંચક રહી.
ચાલો અમારી સફરને આગળ વધારીએ.આજે પ્રવાસનો ચોથો દિવસ. આજે અમે ભવનાથ ની તળેટી ખાતે રોકાણ કર્યું હતું.આજે સવારમાં ઉઠીને ચા નાસ્તો કરીને અમારે એક રોમાંચક સફર કરવાની હતી. કારણ કે આજે ગુજરાત ના ઊંચા પર્વત પર ચઢાણ કરવાનું હતું. આજે નાસ્તામાં ચા અને ખાખરા હતા. આમ તો દરેક બાળકમાં ગિરનાર ના ચઢાણ માટે અનેરો જુસ્સો અને ઉત્સાહ હતો. દરેક બાળક કહેતું હતું કે મારે છેક સુધી ચઢવું જ છે. અને અમે શરૂઆત કરી ગિરનાર ચઢાણ ની. સવારના પહોરમાં ચઢાણ ની મજા જ અલગ હતી. ગિરનારમાં જુદા જુદા અંતરે જુદા જુદા તીર્થ સ્થળ આવેલ છે.આમ તો ગિરનાર એટલે ધર્મ અને પ્રકૃતિનું સમન્વય કેંદ્ર. ગિરનારમાં ગાઢ જંગલો આવેલ છે જેમાં અનેક પ્રકારના વૃક્ષો આવેલ છે. અહીંયા કુદરતી રીતે ઊગેલ તુલસીઓ, સાગ અને અનેક વનસ્પતિ નિહાળવા મળી.અહીંયા ની પગથિયાં સોલંકી વંશના રાજા કુમારપાળ દ્વારા બંધાવવામાં આવ્યા હતા. ગીરનાર નું પ્રાચીન નામ રૈવતક પર્વત હતું. અડધે સુધીની સફર કરી હતી. અમે નીચે ઉતર્યા ત્યારે અમારા માટે જમવાનું તૈયાર હતું. જમવામાં લાડુ, પાપડ, રોટલી, શાક ,દાળ ભાત અને છાસ હતી. અમે સ્નાન કર્યું અને ત્યારબાદ નાઈને તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ અને મૃગીકંડ ના દર્શન કર્યા.અને ત્યાંથી અમે દામોદર કુંડ અને અશોકના શિલાલેખ ની મુલાકાત લીધી. અને ત્યાંથી જૂનાગઢમાં આવેલ સક્કરબાગ ની મુલાકાત લીધી. સક્કર બાગમાં જુદા જુદા પક્ષીઓ, પ્રાણીઓ અને સરીસૃપ પ્રાણીઓ જોવા મળ્યા. કેટલાક વિદેશી પ્રાણીઓ પણ જોવા મળ્યા. ત્યાંથી અમે ગુજરાતનો ઐતીહાસિક કિલ્લો એટલે કે ઉપરકોટનો કિલ્લો જોવા ગયા. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ કિલ્લાનું સમારકામ કરવામાં આવેલ છે. અહિયાં સરસ મજાની અડી - કડીની વાવ, નવઘણ કુવો, રાજા અને રાણીનો મહેલ, અન્નભંડારો, બુદ્ધ ગુફાઓ તેમજ કિલ્લામાંથી મળી આવેલ વસ્તુઓનું સંગ્રહાલય નિહાળ્યું. અહિયાં માણેક અને નીલમ જેવી તોપો પણ જોઈ. અમને જુનો ઈતિહાસ જાણવાનો મોકો મળ્યો.
ત્યારબાદ અમે સૌ પહોંચ્યા જલારામ બાપા ના ધામ વીરપુર માં અહીંયા જલારામ બાપા ના મદિરમાં દર્શન કરીને વીરપુરની બજારમાં ખરીદી કરી. બાળકોએ મોડે સુધી ફરીને ખરીદી કરી. ત્યારબાદ અમે સૌ સાંજનું વાળુ કરીને સુઈ ગયા આજનું અમારું રોકાણ હોટલમાં હતું. સાંજના ભોજનમાં પાવભાજી અને છાસ હતી. ચોથા દિવસે પણ બાળકોએ ખુબ જ આનંદ માણ્યો.
નમસ્કાર મિત્રો, આજે અમારી સફરનો અંતિમ દિવસ હતો. આજે અમે રાત્રિ રોકાણ વીરપુર મુકામે કર્યું હતું. ત્યાંથી સવારમાં નાસ્તો કરીને અમે ખોડલધામ - કાગવડ પહોંચ્યા. કાગવડ ખાતે આધુનિક સમયનું સૌથી શ્રેષ્ઠ અને ભવ્ય ખોડલ મંદિર આવેલું છે. અહીંયા સુંદર મજાનો બગીચો અને મંદીર ની કોતરણી અદ્ભુત હતી. અહીંયાં આવતા તમામ મુલાકાતીઓ માટે ચાની વ્યવસ્થા હતી. અહીંની સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી હતી. અહીંયાં ગુજરાત સરકાર ના વન વિભાગ દ્વારા બનાવેલ શક્તિ વન આવેલું છે. જ્યાં જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ જોવા મળી. જેના દરવાજા પર ભારત દેશનો તિરંગો લહેરાય છે. અહીંયા સરસ મજાની બહાર બજાર આવેલી છે. અહિયાંથી બાળકોએ સરસ મજાની છે. બાળકોએ અહીંયાથી બાળકોએ મોટા ભાગની ખરીદી પણ હતી. અહીથી અમે અમારા રાત્રિ રોકાણ સ્થળે જમવા પહોંચ્યા. સવારમાં જમવામાં મોહનથાળ, રોટલી શાક, દાળ ભાત અને છાસ હતી. અમે સૌ જમીને ચોટીલા જવા રવાના થયા .
ચોટીલામાં ચામુંડા માતાજી નું મંદિર આવેલ છે અહીંયા માતાજીના દર્શને કરીને અમે બજારમાં ખરીદી કરી. અમે બધા જ ચોટીલો ડુંગર ચઢ્યા. માં ચામુંડાના દર્શન કર્યા.
ત્યારબાદ અમે પહોંચ્યા મીની પોઇચા તરીકે જાણીતા સ્વામિનારાયણ મંદિર ની મુલાકાતે આ મંદિર પાટડી મુકામે આવેલ છે.અહીંયા ભવ્ય વર્ણીન્દ્ર ધામ આવેલ છે. અહિયાં મંદિરમાં દર્શન કર્યા અને પ્રદર્શન નિહાળ્યું. જોય ટ્રેનનો પણ આંનદ માણ્યો. બાળકોએ હિંચકા અને લપસણીની મજા માણી. ખુબ જ મજા પડી ગઈ. અમે સાંજનું ભોજન લીધું. સાંજના ભોજનમાં રોટલી, શાક અને છાસ હતી. ત્યારબાદ એક સાથે ભેગા મળીને પ્રવાસની સફર અંગે ચર્ચા કરી. અને ઘર તરફ રવાના થયા.
અમારા દરેક માટે આ પાંચ દિવસની સફર યાદગાર અને રોમાંચક રહી.જગતના નાથની કૃપાથી દરેક પ્રકારે સુખ અને શાંતિ રહી.
અમારા પ્રવાસમાં બસ સંચાલક કરશનભાઈ પટેલ ( ભાચર) દ્વારા ખાવા પીવા કે રહેવામાં એમને કોઈપણ તકલીફ પડવા નથી તે બદલ તેમનો દિલથી આભાર.