-->

હોળી - ધૂળેટી પર્વની ઉજવણી - 2025

 “ઈશ્વરીય શક્તિની જીતનું અનેરું પર્વ એટલે હોળી ધુળેટી.”

          હોળી એટલે `સર્વાય સ્વાહા'ની પ્રકૃતિ ધરાવતા અગ્નિની આગોશમાં દરેક અનિષ્ટની આહુતિ અને ઈષ્ટના ઓચ્છવનું પર્વ. હિરણ્યકશિપુના નાશ માટે નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રગટેલા ભગવાન વિષ્ણુ તેમજ ભક્ત પ્રહ્લાદને ભસ્મ કરવાના હોળિકાના પ્રયાસોની પૌરાણિક કથા આ પર્વ સંદર્ભે જાણીતી છે, પરંતુ એ સિવાય પણ અનેક કથાઓ અને માન્યતાઓ રંગ અને રાગના આ ઉત્સવ સાથે સંકળાયેલી છે. ધુળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે.

         આવા ભારતીય પરંપરાના ઉમંગ, ઉત્સાહ અને ઉત્તમ તહેવારોને આપણે હર્ષભેર ઉજવવા જોઈએ. આવનારી પેઢીને પણ આ પરંપરાઓ સાથે સાંકળવા માટે પ્રેરવી જોઈએ. રંગોના તહેવારોને મનભરીને માણવા માટે તા.૧૩/૦૩/૨૦૨૫ને ગુરુવારે આપણી શાળામાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.જેમની સાથે શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. જેથી બાળકોના હ્રદયરંગો ખીલી ઉઠ્યા હતા. પ્રકૃતિ દેવો ભવઃ સાથે વિશેષ એ હતું કે સમગ્ર ઉજવણીમાં નેચરલ કલરોનો ઉપયોગ થયો હતો. ખાસ અબીલ-ગુલાલથી ઉજવણીને ઉજાણી હતી.