-->

ગુરુપૂર્ણિમાની ઉજવણી 2025-26

 દેવ વિદ્યામંદિર થરાદ ખાતે આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભવ્ય "ગુરુવંદના કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિસ્નાત આનંદમય વાતાવરણમાં શાળાના વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના પ્રમુખશ્રી દેવાભાઈ પટેલના ઉદબોધનથી કરવામાં આવી હતી. જેમાં તેમણે જીવનમાં ગુરુના માર્ગદર્શનનું મહત્વ વિશે સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "જ્યાં ગુરુ છે ત્યાં જ સદ્‍ગતિ છે." શાળાના નિયામકશ્રી રમેશભાઈ ચૌધરીએ ગુરુ-શિષ્યના અદ્વિતીય પવિત્ર સંબંધને વ્યાખ્યાયિત કરતાં જણાવ્યું હતું કે, “ગુરુ એ જીવનના અંધકારને દૂર કરતી પ્રકાશ કિરણ છે.” અને ત્યારબાદ શાળાના આચાર્યશ્રી જયેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે, ગુરુ વગરનું જીવન દિશાવિહિન નાવ જેવું છે. તેમણે વિદ્યાર્થીઓને ગુરુના માર્ગદર્શનમાં નિષ્ઠાપૂર્વક આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી સુરેશભાઈ બારોટે ભારતીય સંસ્કૃતિમાં ગુરુના ઊંડા મૂલ્યોને સમજાવતાં જણાવ્યું કે, "ગુરુ એ માત્ર શિક્ષક નહીં પણ જીવનના માર્ગદર્શક છે. જે શ્રદ્ધા, શિષ્ટતા અને સંસ્કારના પાયાની ઈંટ ગોઠવે છે." પ્રાથમિક વિભાગની નાનકડી બાળાઓ દ્વારા માણસમાં ઊંડું ઉતરી જતું ગુરુવંદના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમની નિર્વિવાદ ભક્તિ સ્પષ્ટ ઝળકી હતી. ત્યારબાદ ગુરુજનોને કુમકુમ તિલક કરી, મીઠું મોઢું કરાવી અને આરતી ઉતારી ભવ્ય રીતે પૂજન કરવામાં આવ્યું હતું. જે દ્રશ્ય હાજર રહેલ સૌના હૃદયને સ્પર્શી ગયું હતું. ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત "જીવનમાં ગુરુનું મહત્વ" વિષય પર વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે પ્રવિણભાઈ પ્રજાપતિ, અવનીબેન દરજી અને પાયલબેન પટેલ રહ્યા હતા. જેમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને શાળામાં નવા પ્રવેશ મેળવેલ બાળકોને સ્કૂલ કીટ આપી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના કર્મનિષ્ઠ શિક્ષક સુરેશભાઈ બારોટે કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે પાયલબેન પંચાલ દ્વારા ભાવનાસભર આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી ફિરોઝભાઈ ઘાંચી અને ધેંગાભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સ્ટેજ વ્યસ્થાપન શ્રવણસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સેવક ભાઈઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આવા ઉમદા અને સંસ્કારમય કાર્યક્રમો વિદ્યાર્થીઓના જીવનમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને નૈતિક મૂલ્યોના વાવેતર માટે મજબૂત પાયો પૂરું પાડે છે.