'યોગ ભગાડે રોગ ' ના નારાથી ગુંજી ઉઠ્યું શાળા પરિસર
દેવ વિદ્યામંદિર થરાદ ખાતે આજે ૨૧મી જૂન, ૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ “ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ” અને “ હમ ફિટ તો ઇન્ડિયા ફિટ ” અભિયાનના અનુસંધાનમાં યોજાયો હતો. યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાળાના પ્રસન્ન અને શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉજવાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી જયેશભાઈ પંડ્યા એ યોગના ઐતિહાસિક અને આધુનિક મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે, “ યોગ માત્ર કસરત નહીં પણ જીવન જીવવાની એક રીત છે – જ્યાં શરીર અને મન એકસાથે આરામ પામે છે.” તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં આપેલા સૂચન અનુસાર, ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય થયો હતો. તે દિવસથી અત્યાર સુધી યોગના મહત્વને લોકોની દિનચર્યા સાથે જોડવાનો આ મહાન પ્રયાસ સતત ચાલી રહ્યો છે.
આ ઉજવણીમાં શાળાના ઉત્સાહી અને યોગપ્રવૃત્તિમાં નિપુણ શિક્ષકો માનસિંહજી વાઘેલા અને ફિરોઝભાઈ ઘાંચી દ્વારા યોગ ટ્રેનર તરીકે વિદ્યાર્થીઓને યોગની વિવિધ ક્રિયાઓ શીખવડાવવામાં આવી. કાર્યક્રમની શરૂઆત વોર્મઅપ દ્વારા થઈ, ત્યારબાદ તાડાસન, પદ્માસન, વજ્રાસન, ભુજંગાસન જેવા આસનો કરાવવામાં આવ્યા. ત્યારબાદ સૂર્યનમસ્કારની શૃંખલા અને અનુલોમ વિલોમ, ભ્રામરી તથા કપાલભાતિ જેવા પ્રાણાયામોનું માર્ગદર્શન અપાયું.
“ યોગ ભગાડે રોગ, રોજ કરો યોગ – રહો નિરોગ ” “ સ્વસ્થ ભારત માટે યોગ, ફિટ બોડી, ફિટ માઈન્ડ – ફિટ નેશન ” જેવા સ્લોગનોથી શાળાનું આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા, ઉત્સાહ અને યોગ પ્રત્યે શ્રદ્ધા જોવા મળતી હતી. અંદાજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમના સંચાલનની જવાબદારી સેંધાભાઈ પ્રજાપતિએ નિભાવી હતી અને અંતે સુરેશભાઈ બારોટ દ્વારા વિદ્યાર્થીઓને યોગ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ યોગને જીવનશૈલી તરીકે અપનાવવાનો સંકલ્પ લીધો.
દેવ વિદ્યામંદિર થરાદ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ માત્ર એક દિવસની ઉજવણી નહોતો, પરંતુ યોગને જીવનના દરેક અવયવમાં સામેલ કરવાની દિશામાં એક સશક્ત પગલાં ગણાઈ શકે. આવું આયોજન શાળાના શિક્ષણ અને આરોગ્યક્ષેત્રેના સજીવ સંકલનનું જીવંત ઉદાહરણ પુરું પાડે છે.