નમસ્કાર મિત્રો, ચાલો ત્યારે અમારી ગઈ કાલની સફરને આગળ વધારીએ. આજે પ્રવાસનો ત્રીજો દિવસ ગઈ કાલે અમારું રાત્રી રોકાણ સોમનાથ ખાતે હતું.આજે અમારું પહેલું સ્થળ દીવ હતું. એટલે અમારે ત્યાં સમયસર પહોંચવાનું હતુ. એટલે સવારમાં બધા જ વિદ્યાર્થી મિત્રો સવારમાં વહેલા ચાર વાગ્યે ઊઠીને નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા. એટલે અમારો નાસ્તો તૈયાર હતો.નાસ્તામાં ચાની સાથે આજે પૌવા હતા. અમે સૌ નાસ્તો કરીને નીકળી ગયા નવી સફરે...
સૌપ્રથમ અમે દીવ પહોંચ્યા. દીવ એ અરબ સાગરમાં આવેલ એક ટાપુ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીંયા અમે દીવ ના ભવ્ય અને જુના કિલ્લાને જોવા ગયા. આ કિલ્લાની ઊંચી ઊંચી દીવાલો, અનેક તોપો, દીવાદાંડી અને જુદા જુદા વિભાગો નિહાળ્યા. આ કિલ્લા પરથી દૂર દૂર સુધી દરિયાનો નજારો જોવાનો આનંદ એક અદભુત હતો. મનને શાંત કરી દે એવો નજારો હતો. ત્યાર બાદ અમે સૌ દીવમાં બહુ જ પ્રખ્યાત નાગવા બીચ પર. નાગવા બીચ એક રમણીય દરિયાકિનારો ધરાવે છે. આમ તો અમારી સૌની ઈચ્છા દરિયામાં મન ભરીને નહાવવાની હતી. પરંતુ આજે દરિયામાં મોજાઓનો વેગ વધારે હતો.જેને કારણે અમે માત્ર થોડાક સુધી પાણીમાં જઈને અમારા મનને સંતોષ આપી દિધો. દરિયાઈ મોજાં, ઠંડો પવન અને રમણીય વાતાવરણ કંઇક અલગ જ આનંદ આપે છે. અને દરિયાની મોજ માણી ત્યાં સુધીમાં અમારા માટે જમવાનું તૈયાર થઈ ગયેલ હતું. આજે જમવામાં બૂંદી, પૂરી - શાક, દાળ ભાત અને છાસ હતી. અમે સૌ જમ્યા અને ત્યારબાદ રવાના થયા વનરાજ સિંહના ઘરની મુલાકાતે......
આજનો રસ્તો બહુ લાંબો હતો. પરંતું આજે રસ્તાની બાજુમાં હરિયાળી પણ આંખોને તાજગી આપે તેવી હતી. આજે સળંગ રસ્તાની બંને બાજુએ આંબા અને શેરડીના પાકથી ભરપૂર ખેતરો અને ગીરની ટેકરીઓ તેમજ જંગલો નો નજારો હતો. અમારું આગળનું સ્થળ ઘણું જ મહત્વનું હતું કારણ કે અમે સૌ આજ પહેલાના કોઈપણ પ્રવાસમાં અહીંયા ગયા ન હતા. આમ તો અહીંયા ટિકિટ બારી પાંચ વાગ્યે બંધ થઈ જાય છે. અમે જડપભેર દેવળીયા સફારી પાર્ક પહોંચીને ટિકિટ મેળવી.
આમ તો અમે ગીરના જંગલ વિશે ઘણું સાંભળ્યું હતું અને વિધાર્થીઓને અભ્યાસમાં પણ ઘણું બધું આવે છે. પણ આજે એને રૂબરૂ જોવા માટે અમારામાં આતુરતા હતી. અને ખુલ્લા જંગલમાં વિહરતા સિંહને જોવો એ ખરેખર અદભૂત અને યાદગાર ક્ષણ હોય છે. અહીંયા અમે ખુલ્લા જંગલમાં આરામ કરતો જંગલનો રાજા નિહાળ્યો. તેની સાથે એક સિંહણ સાથે બાળ સિંહોને ગેલ કરતાં પણ જોયા. અને તેના સિવાય દીપડા, રોઝ, ચિતલ અને સાબરને પણ જંગલમાં વિહરતા જોયા.આ જંગલનો અનુભવ અમારા સૌના માટે રોમાંચક હતો.
અમે સૌએ આ રોમાંચક સફર પૂરી કરીને અમે રવાના થયા સતાધાર તરફ. અહીંયા આપાગીગા નું ખુબ જ મોટી જગ્યા આવેલ છે.અહીંયા ભવ્ય ગૌ શાળા, ભવ્ય આપાગીગા નું મંદિર આવેલું છે. અને બીજી ખાસ અહીંયા કાયમી સદાવ્રત ચાલે છે. દરરોજ અહીંયા કેટલાય લોકો જમે છે. અને બીજું ખાસ કે અહીંયા ભોજનશાળા માં નોકરી કરવાવાળા નથી બધા જ પોતાની રીતે સેવા કરે છે.
અહીંયા આપાગીગા ના પાડાનું વિશેષ મહત્વ છે. અહીંયા પાડા નું મંદિર આવેલું છે.તેની સાથે અહીંયા ભવ્ય શિવ મંદિર પણ આવેલ છે.અહીંયા અમે સૌ એ સાંજનું ભોજન લીધું. સાંજના ભોજનમાં રોટલી, શાક અને છાસ હતું.આમ અમારી ત્રીજા દિવસની સફર ખુબ જ યાદગાર અને રોમાંચક રહી.
પ્રવાસના બધા જ ફોટા જોવા અને ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.