ઘણા દિવસની આતુરતાનો આજે અંત આવ્યો. ધણા સમયથી વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક જેની રાહ જોતા હતા એ પ્રવાસનો દિવસ આજે આવી ચૂક્યો હતો.ગઈ કાલે એટલે કે 28/11/2023 ના રોજ અને સૌ ત્રણ સ્લીપર કોચ ટ્રાવેલ્સ લઈને સાંજે 9.00 વાગ્યે પ્રવાસે જવાના રવાના થયા. વેકેશન હોવા છતાં પણ ખૂબ જ ઉત્સાહપૂર્ણ સમયસર સૌ વિદ્યાર્થીઓ આવી ગયા. બસમાં વ્યવસ્થા મુજબ ગોઠવણી કરીને અમે સૌ રવાના થયા એક યાદગાર સફરે દક્ષિણ ગુજરાત ભણી....
વિદ્યાર્થિઓને ઉત્સાહ એટલો બધો કે રાત્રે ઊંઘ જ ન આવી. સવાર થતાં જ અમે સૌ પહોંચ્યા ગુજરાતના એક સર્વોત્તમ ગણાતા પ્રવાસન સ્થળ અને ભારતની અખંડતામાં જેનું અતુલ્ય યોગદાન છે એવા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે.ત્યાં સૌ પ્રથમ અમે આપણી સૌની જીવાદોરી માં નર્મદાના દર્શન કર્યા અને ત્યારબાદ આદિત્યશ્વર મહાદેવના મંદિર ખાતે અમે સૌએ દર્શન કર્યા અને ત્યારબાદ ચા નાસ્તો કર્યો અને પછી અમે રવાના થયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા...
એકતાનગરમાં સાધુ બેટ પર નર્મદા મૈયાના કિનારે આવેલ આ સ્ટેચ્યુ અદભુત અને અલૌકિક છે.182 મીટર ઊંચા આ અદભુત સ્ટેચ્યુ ને અમે સૌએ નિહાળ્યું. ત્યારબાદ સરદારના જીવનની સમગ્ર સફરને રજૂ કરતું સરદાર પટેલ મ્યુઝિયમ અમે નિહાળ્યું. સરદારના જીવનની ઝાંખી અમે નિહાળી.* *ત્યારબાદ અને સવારનું ભોજન લીધું.આજે સવારના ભોજનમાં ગુલાબજાંબુ, પાપડ, મિક્ષ અને ચણા ની એમ બે શાક, રોટલી, દાળ ભાત અને છાસ હતું. ભોજન લીધા બાદ અમે સૌ ફરીથી રવાના થયા ફરવા...
ત્યાંથી અમે વેલી ઑફ ફલાવર્સ પહોંચ્યા. અહિયાં હજારો પ્રકારના છોડ અને ફૂલો થી ભરપુર ખુબ જ સુંદર બગીચો છે. વિદ્યાર્થીઓએ પોતાની મનપસંદ ખૂબ જ ફોટોગ્રાફી કરી.ત્યારબાદ અમે સરદાર સરોવર ડેમ નિહાળ્યો. ત્યારબાદ અમે સૌથી અધતન રીતે તૈયાર થયેલ પ્રાણી સંગ્રહાલય એટલે જંગલ સફારી ની સફર કરી. અહિયાં અમે ઈ ગાડીની મદદ વડે જુદા જુદા ઝોનમાં વહેંચવામાં આવેલ જંગલ સફારી ફર્યા. અહિયાં સિંહ પરિવાર, સફેદ વાઘ, બ્લેક પેન્થર, દીપડો, ગેંડો,જિરાફ, હિપોપોટમસ, લામા,હરણ જેવા વિવિધ વન્ય પ્રાણીઓ જોવા મળ્યા તેમજ જુદા જુદા પક્ષીઓ અને સરીસૃપ પ્રાણીઓ પણ નિહાળવા મળ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વચ્છતા બાબત, ઇલેક્ટ્રિક એસી બસ તેમજ મહિલાઓ દ્વારા સંચાલીત પિંક ઈ રિક્ષા એક આકર્ષણનું કેન્દ્ર રહી. આજનો દિવસ ખૂબ જ મોજ અને મસ્તી સાથે પસાર થયો. હવે અમે ત્યાંથી જડેશ્વર ખાતે જવા રવાના થઈ ગયેલ છીએ. ખૂબ જ ટુંક સમયમાં ત્યાં પહોંચી જઈશું.ત્યાં જઈને સાંજનું વાળું કરીને આરામ..
આવતી કાલે માં નર્મદાની હોડી દ્વારા સફર કરીને કબીરવડ જઈશું અને ત્યાંથી પોઇચા ધામ... કાલથી સફર વિશે આવતી કાલે સાંજે લખીશ
નમામિ દેવી નર્મદે...!



















