-->

પ્રવાસનો બીજો દિવસ - દક્ષિણ ગુજરાત 2023

RAMESH CHAUDHARI

અમારી સફરનો બીજો દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક પૂર્ણ થઈ ગયો.ગઈ કાલે સાંજે અમે જડેશ્વર ખાતે રાત્રિ રોકાણ કરેલ હતું. વહેલી સવારે વિદ્યાર્થીઓ વહેલા જાગીને તૈયાર થઈ ગયા. અમે સૌ એ નાસ્તો કર્યો અને ત્યારબાદ નીલકંઠ મહાદેવ ના દર્શન કર્યા. ત્યાર પછી સવારનો નાસ્તો કરીને ત્યાંથી અમે સૌ નીકળ્યા કબીરવડ જવા. કબીરવડ પહોંચવા માટે અમારે હોડીમાં બેસીને જવાનું હતું.તેના માટે અમે વહેલી સવારે મઢી પહોંચ્યા.ત્યાંથી હોડીમાં બેસીને સામેની બાજુ આવેલ ટાપુ પર આવેલ કબીરવડ પહોંચ્યા.હોડીમાં બેસીને નર્મદા નદી પસાર કરવી એ અમારા માટે એક આહ્લાદક અનુભવ હતો. કબીરવડ એ કબીર સાહેબ દ્વારા રોપેલ એક વિશાળ વડ આવેલ છે જે એક મોટા વિસ્તાર માં ફેલાયેલ છે. અહિયાં માણસ પ્રિય વાનરો પણ જોવા મળ્યા. ઘણાં બધાં બાળકોએ વાનરોને કેળા અને બિસ્કીટ ખવરાવ્યા. ત્યારબાદ અમે સૌ તે જ હોડી મારફતે પરત ફર્યા.ત્યારબાદ અમે સવારનું ભોજન લીધું. આજે ભોજનમાં લાડું, મગદાળ, ભૂંગળા, પૂરી શાક, દાળ ભાત હતા. અમે ત્યાંથી રવાના થયા નીલકંઠ ધામ પોઇચા ખાતે. બપોરે અમે પોઇચા પહોંચ્યા ત્યાં નીલકંઠવર્ણીના દર્શન કરીને અને સૌ પહોંચ્યા પ્રકૃતિના સાનિધ્યમાં 24 એકર જેટલી વિશાળમાં જમીન પર બનાવેલ સહજાનંદ યુનિવર્સ માં. અહીંયા ખુબ જ અદભુત રીતે બનાવેલ પ્રદર્શન ગોઠવાયેલ છે. અહિયાં મહાભારત અને રામાયણ ના વિવિધ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. અહિયાં બાળકોને મોજ આપતી સાયન્સ સિટી અને ઈન્ફો સિટી આવેલ છે. ભલા ભલા ની ભુલાવી નાખતા મીરર હાઉસ પણ આવેલ છે. વિવિઘ પ્રકારના પક્ષીઓ માટેનું નાનકડું પક્ષી ઘર તેમજ ડરામણું લાગતું ભૂત બંગલો અને ટનલ ઓફ યમપુરી પણ આવેલ છે. બાળકોએ ખુબ આનંદ અને મોજ કરી તેમજ એક રોમાંચક અનુભવ કર્યો. અહિયાં વિવિધ પ્રકારના હીંચકા હતા. અને હીંચકા મળે એટલે બાળકોને મન તો બધું જ આવી ગયું. સાંજે મોડે સુધી હીંચકે હિંચ્યા. ત્યારબાદ વિવિધ પ્રકારની ફોટો ગ્રાફી કરી. અને સાંજે નિલકંઠ ધામ સંપૂર્ણ રીતે લાઈટોથી ઝગમગી ઊઠે છે. અહિયાં મોડે સુધી બધા મંદિર પરિસરમાં ફર્યા અને ત્યારબાદ અમે સાંજનું વાળું કર્યું. સાંજે ભોજનમાં ભાખરી શાક હતું. વાળું કરીને થોડાક અંતરે નર્મદા કિનારે આવેલ મહા મૃત્યુંજય આશ્રમ ખાતે રાત્રિ રોકાણ કર્યું. અહિયાં ખૂબ જ સરસ મજાની રોકાવાની સુવિધા હતી. આશ્રમની શાંતિ માટે મોબાઇલ નેટવર્ક પણ બંધ કરેલ હતા. અહિયાંથી અમે સૌ વહેલા ઊઠી તૈયાર થઈ આશ્રમ પરિસરમાં આવેલ મહાદેવ ના દર્શન કર્યા. ત્યારબાદ અમે સૌ રવાના થઈ ગયેલ છીએ ત્રીજા દિવસની સફર માટે વડોદરા ખાતે. આજનો દિવસ કાલ કરતા પણ વધારે ઉત્સાહ વાળો રહેશે.

નમામિ દેવી નર્મદે..!