આજ રોજ આપણી શાળામાં સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. આજે સમગ્ર દિવસ દરમિયાન શાળાના બાળકો જ શિક્ષક બનીને શિક્ષણ કાર્ય કર્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. આજે શિક્ષક બનેલા વિધાર્થીઓ સરસ મજાના શિક્ષકને શોભે તેવા પોશાકમાં સમયસર શાળામાં આવી પહોંચ્યા હતા. સવારમાં સરસ મજાની પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિક્ષણ કાર્યની શરૂઆત થઈ હતી. દરેક વિધાર્થી મિત્રોએ ઉત્સાહથી આજે શિક્ષકના દરજ્જા સાથે વર્ગખંડમાં પ્રવેશ મેળવ્યો હતો. કેટલાય સવાલોથી ઘેરાયેલ એ વિધાર્થી દ્વારા આજે સર્વોત્તમ શિખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આજે દરેક બાળક પોતે પોતાની રીતે વિષયની શ્રેષ્ઠ તૈયારી કરીને આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન સરસ મજાનું શિક્ષણ કાર્ય થયું. આજે આચાર્યની ભૂમિકા ધોરણ 12 ના વિધાર્થી સંજયભાઈ દ્વારા નિભાવવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન તમને કુશળતાપૂર્વક વહીવટ કર્યો હતો. આજે બે વિદ્યાર્થીઓએ સેવક મિત્રોની ભૂમિકા ભજવીને તમામની સુવિધા બાબતે ખ્યાલ રાખ્યો હતો. સમગ્ર દિવસ ઉત્સાહ અને ઉમંગથી ભરેલો હતો. બપોરના સમયે શાળા તરફથી દરેક શિક્ષક મિત્રો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજના દિવસે ભાગ લેનાર વિધાર્થીઓએ પોત પોતાના અનુભવો રજૂ કર્યા હતા. વિધાર્થીઓએ પોતાને આજે ભણાવવા આવેલ તેમના જ મિત્રો વિશેના પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. અંતે આચાર્ય સાહેબ દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ સ્ટાફ મિત્રોનો, આજના કાર્યક્રમમાં ભાગ લેનાર વિધાર્થીમિત્રોનો અને સાથ સહકાર આપનાર દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.