દેવ વિદ્યામંદિર થરાદ ખાતે લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી. જ્યાં બાળ સાંસદ ચૂંટણીનું ભવ્ય અને વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યુ હતું. શાળાના ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસ કરતા કુલ ૯ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી અને ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ ઑફિસર, પોલિંગ ઑફિસર, સુરક્ષા કર્મચારી અને એજન્ટ જેવી જવાબદારીઓ વિદ્યાર્થીઓએ જ નિભાવતાં લોકશાહીના મૂલ્યોનો જીવંત પાઠ શીખવ્યો હતો.
ચૂંટણી કમિશ્નર સુરેશભાઈ બારોટ, ચૂંટણી અધિકારી ભવનસિંહજી સોઢા તથા શ્રવણસિંહ રાજપુતના માર્ગદર્શન હેઠળ ઈવીએમ મશીન દ્વારા પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીની દેખરેખમાં મતગણતરી કરવામાં આવી અને ઈવીએમ મશીનને સીલ કરી સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા હતા.
ચુંટણીનું પરિણામ જાહેર થતા ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ભૂપતભાઈ પરાગાભાઈ ચૌધરી ૨૩ મતની સરસાઈથી વિજયી બન્યા હતા. સાથે જ ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની શ્રદ્ધાબેન રામજીભાઈ પંડ્યા પણ મહામંત્રી પદે ચૂંટાયા હતા.
બાળ સાંસદ ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં શાળાના આચાર્ય જયેશભાઈ પંડ્યાએ પ્રથમ મહામંત્રી તરીકે ભૂપતભાઈ ચૌધરી અને શ્રદ્ધાબેન પંડ્યાને શપથ લેવડાવી હતી. ત્યારબાદ ક્રમબદ્ધ રીતે પ્રાર્થના અને સાંસ્કૃતિક મંત્રી, રમતગમત અને પ્રવાસન મંત્રી, શિક્ષણ અને લાઇબ્રેરી મંત્રી, આરોગ્ય અને સારવાર મંત્રી, પર્યાવરણ અને સફાઈ મંત્રી, બાલહાટ મંત્રી તથા બાગકામ અને પાણી મંત્રીએ પણ શપથ લીધા હતા.
આ આયોજન લોકશાહી પ્રત્યેની સમજણ, નેતૃત્વ કૌશલ્ય અને જવાબદારીનો ભાવ વિકસાવવામાં એક પ્રેરણાત્મક પ્રયોગ સાબિત થયું હતું. સમગ્ર શાળા પરિવારના સહકારથી આ કાર્યક્રમ યાદગાર અને સફળ બન્યો હતો.