વિદ્યામંદિર થરાદ ખાતે ૭૯મો સ્વતંત્રતા દિવસ ગૌરવ, ઉત્સાહ અને અખંડ દેશપ્રેમ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય સેનાના વીર જવાન ઉપસ્થિત રહ્યા હતા, જેમના વંદનીય હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર શાળા પરિસર “વંદે માતરમ્” અને “ભારત માતા કી જય” ના નારાથી ગુંજી ઊઠ્યું હતું.
ધ્વજ વંદન બાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. શાળાના શિક્ષક સુરેશભાઈ બારોટે દેશની આઝાદી માટે થયેલા અમર બલિદાનો, સ્વતંત્રતાનો અમૂલ્ય વારસો અને રાષ્ટ્રના પુનર્નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય જયેશભાઈ પંડ્યાએ મુખ્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સ્વતંત્રતા દિવસની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તથા રાષ્ટ્રના વિકાસ વિશે ઉત્સાહવર્ધક માહિતી આપી હતી. શાળાના પ્રમુખ દેવાભાઈ પટેલે પ્રેરક ઉદબોધનમાં નવી પેઢીને રાષ્ટ્રનિષ્ઠ, શિસ્તબદ્ધ અને સંસ્કારવાન બની સ્વતંત્રતાની અખંડ જ્યોત પ્રગટ રાખવા આહ્વાન કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં વિદ્યાર્થીનીઓએ સુમધુર સ્વાગત ગીત અને પરંપરાગત ગરબાની સુંદર પ્રસ્તુતિ આપી હતી. દેશભક્તિ નૃત્યના પ્રેરક દ્રશ્યોને જોઈ સમગ્ર પ્રેક્ષાગૃહ રાષ્ટ્રપ્રેમની ભાવનામાં ડૂબી ગયું હતું. કાર્યક્રમના અંતે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉમંગ અને જોશથી ભરપૂર પિરામિડની અદ્દભુત પ્રસ્તુતિ આપી હતી, જેને જોઈને સમગ્ર પરિસર તાળીઓના ગળગળાટથી ગુંજી ઊઠ્યું હતું.
કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન સુરેશભાઈ બારોટે કર્યું હતું, જ્યારે આભાર વિધિ અવનીબેન દરજી એ કરી હતી. અંતે રાષ્ટ્રગાનની ગુંજ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો, જે દેવ વિદ્યામંદિર થરાદ માટે યાદગાર બની રહ્યો હતો.